વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા

2026-04-18

વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા

-સ્વામી માધવપ્રિયદાસ

વસિષ્ઠ અને વિશ્વામિત્ર મહાન ઋષિઓ થઈ ગયા. વસિષ્ઠ જ્ઞાની-ધ્યાની મહાપુરુષ હતા. વિશ્વામિત્ર પોતાની ગૂઢ શક્તિના પ્રભાવે પૃથ્વીવાસીઓને સદેહે સ્વર્ગમાં મોકલી શકતા. ત્રિશંકુની કથા એનું પ્રમાણ છે. વિશ્વામિત્ર પાસે નવી સૃષ્ટિ રચવાનું વિજ્ઞાન હતું.

વિશ્વામિત્રને ગાયત્રીમંત્રના દેષ્ટા કહેવાય છે. મંત્રનો જપ કરવો એ એક વાત છે, મંત્રનો સાક્ષાત્કાર કરવો એ બીજી વાત છે. દિવસ-રાત પ્રયોગનું રટણ કરવું અને પ્રયોગશાળામાં જઈ પ્રયોગ કરવો એ સાક્ષાત્કાર છે.

આઈનસ્ટાઈનનું E=MC² સૂત્ર સૃષ્ટિના અમુક અંશની જ વાત કરે છે, જયારે ગાયત્રી મંત્ર સૃષ્ટિવિજ્ઞાનની સાથોસાથ આપણને સૃષ્ટિના મૂળ સુધી લઈ જાય છે. ડાર્વિન હોય કે આઈનસ્ટાઈન, એ આપણને સર્જનનો મહિમા સમજાવી શકશે, પણ સર્જનહારના ચરણ સુધી નહીં લઈ જઈ શકે.

સર્જનહારના ચરણમાં શ્રદ્ધા, રતિ અને ભક્તિ તો પુરાણો જ શીખવી શકશે. શ્રેષ્ઠ વિજ્ઞાનકથાઓ અને પુરાણોની ગાથાઓ વચ્ચે આ પાયાનો ભેદ છે. એટલે જ વિજ્જાનકથાઓ આપણી જીજ્ઞાસાઓ તૃપ્ત કરી શકે, પરંતુ પુરાણોની ગાથા આપણને જેવી શાંતિ આપી શકે તેવી શાંતિ વિજ્ઞાનકથાઓ આપી શકતી નથી.

વાલ્મિકી રામાયણમાં કહે છે કે વિશ્વામિત્રે પોતાના યજ્ઞના રક્ષણ માટે રામ-લક્ષ્મણનું વરણ કર્યું. માર્ગમાં વિશ્વામિત્રે ભગવાન રામને મંત્રશક્તિના માધ્યમથી અનેક અસ્ત્રોનું દાન કર્યું અને બલા-અતિબલા જેવી વિદ્યાઓ આપી.

વિશ્વામિત્ર અને વસિષ્ઠ વચ્ચેનો સંઘર્ષ ‘શબલા’ ગાયને કારણે થયો. વિશ્વામિત્રે ગાય મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વસિષ્ઠે ઈનકાર કર્યો. ત્યારબાદ ભયંકર યુદ્ધ થયું જેમાં વસિષ્ઠના બ્રહ્મદંડે તમામ અસ્ત્રોને નિષ્ફળ બનાવ્યા.

આ ઘટના પછી વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા કરી અને ભગવાન રુદ્ર પાસેથી દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કર્યા. છતાં વસિષ્ઠના બ્રહ્મદંડ સામે તમામ શક્તિઓ નિષ્ફળ ગઈ. ત્યારે વિશ્વામિત્રે સ્વીકાર્યું કે સાચું બલ બ્રહ્મતેજ છે.

ત્રિશંકુની કથામાં વિશ્વામિત્રે પોતાના તપોબળથી તેને સ્વર્ગમાં મોકલ્યો, પરંતુ દેવતાઓએ તેને સ્વીકાર્યો નહીં. અંતે તે આકાશમાં જ લટકતો રહ્યો. આથી સ્પષ્ટ થાય છે કે માત્ર બાહ્ય શક્તિ પૂરતી નથી.

વિશ્વામિત્રે અનેક વખત તપશ્ચર્યા કરી, પરંતુ મેનકા અને રંભા જેવી અપ્સરાઓના પ્રભાવથી તપોભંગ થયો. છતાં તેમણે હાર ન માની અને અંતે આત્મસંયમ દ્વારા આગળ વધ્યા.

અંતે બ્રહ્માજીએ વિશ્વામિત્રને ‘બ્રહ્મર્ષિ’ની પદવી આપી અને વસિષ્ઠજીએ પણ તેમને સ્વીકાર્યા. ત્યારબાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ.

આ કથા આપણને શીખવે છે કે આંતરવિકાસ સૌથી મહત્વનો છે. વિશ્વને જીતવું સહેલું છે, પરંતુ પોતાની ઈન્દ્રિયો અને મનને જીતવું જ સાચું શૌર્ય છે.

વિજ્ઞાન બાહ્ય વિકાસ આપે છે, જયારે પુરાણો આપણને આંતરિક શક્તિ આપે છે — જે મનુષ્યને બ્રહ્મવર્ચસ્વી બનાવે છે.

~ Gurukul Darshan , SGVP Ahmedabad

← ઇદમ્ સર્વમ