ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

2026-04-27

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

-સ્વામી માધવપ્રિયદાસ

મહાભારતમાં એક સરસ પ્રસંગ છે : જ્યારે રાજસૂય યજ્ઞ પૂરો થયો, મયદાનવે રચેલી સભામાં દુર્યોધનનું ઘોર અપમાન થયું. ઈર્ષ્યાની આગમાં સળગતો દૂર્યોધન પોતાના ઘેર ગયો. તેણે મનમાં નિર્ણય કર્યો કે યેનકેન પ્રકારેણ પાંડવોની સંપત્તિ પડાવી લઉં.

આ બાજુ યજ્ઞ પૂરો થતા બધા અતિથિઓ પાંડવોની રજા લઈ વિદાય થયું. ભગવાન વેદવ્યાસ પણ પાંડવો પાસે વિદાય લેવા માટે આવ્યા. સંજોગવશાત્ ત્યારે મહારાજ યુધિષ્ઠિર એકલા જ હતા. વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની પુરુષ હતા, અર્થાત્ એમની સર્વગ્રાહી દ્રષ્ટિ ભૂતકાળ તેમજ ભવિષ્યના ગરભમાં પણ પહોંચતી હતી. એટલે તો વેદવ્યાસે લખેલાં પુરાણો આપણને વર્તમાનની સાથોસાથ ભૂત અને ભવિષ્ય બન્નેની યાત્રાએ લઈ જાય છે.

ભગવાન વેદ વ્યાસ સાથે સત્સંગ કરતા કરતા મહારાજ યુધિષ્ઠિરાના ભારતવર્ષના ભવિષ્યને જાણવાની ઇચ્છા થઈ. એમણે પોતાનાં મનની વાત વેદવ્યાસ સમક્ષ રજૂ કરી. ધર્મરાજની આ જિજ્ઞાસા માનવસહજ જિજ્ઞાસા છે. ‘કાલે મારું શું થશે?! અઠવાડિયા પછી મારું શું થશે ? મારું આયુષ્ય કેટલું હશે !?’ આવું જાણવાની ઈચ્છા જેને ન હોય એવા માણસ ભાગ્યે જ મળે.

આપણે ભગવાનમાં ભરોસો રાખવાની વાત કરીએ છીએ. જે કંઈ થાય છે તે ભગવાનની ઇચ્છાથી થાય છે અને થવાનું છે તે પણ ભગવાનની ઇચ્છાથી થવાનું છે તે જાણીએ છીએ. છતાં પણ છાપામાં આવતા અઠવાડિક રાશિ ભવિષ્યને જોઈ લઈએ છીએ કે અઠવાડિયું કેવું જશે…! ભવિષ્યને જાણવાની ઇચ્છા કોને ન હોય? મહારાજા યુધિષ્ઠિરે વેદવ્યાસને પૂછ્યું ત્યારે વેદ વ્યાસે કહ્યું કે, ‘રાજન્ ! ભૂતકાળને ભૂલી જાવ. વર્તમાનને માણી લ્યો અને ભવિષ્યની ચિંતા છોડી દ્યો.’ પણ વર્તમાનની આવી મોજ તો કોઈ વ્યાસ જેવો આત્મજ્ઞાની પુરુષ જ માણી શકે. કોઈક જ મહાપુરુષ સમયચક્રના વિસ્તારમાં વિહરવાને બદલે રથચક્રની નાભિમાં જ વિરામ લઈ શકે.

ભવિષયને જાણવાની જિજ્ઞાસા ક્યારેક સારી નથી હોતી અને ક્યારેક ભવિષ્યનું જ્ઞાન પણ સારું નથી હોતું. વેદવ્યાસે કહ્યું ‘રાજન્ ! ભવિષય જાણવું રહેવા દો. ક્યારેક અજ્ઞાન પણ પરમાત્માના આશીર્વાદ હોય છે, તો ક્યારેક જ્ઞાન અભિશપ બની જાય છે. કેટલીક બાબતો ભૂલી જવાય એ પણ ઇશ્વરની મોટી મહેરબાની છે.

દાખલા તરીકે, આ સભામાં આપણને કોઈને ખબર નથી કે ‘આપણે પૂર્વ જન્મમાં કોણ હતા?’ કદાચ ભગવાન દયા કરે અને આપણને ખબર પડી જાય કે ‘આ મારી પાસે બેઠેલા સજ્જન પૂર્વ જન્મમાં મારી પાસેથી પચાસ હજાર રુપિયા ઉછીના લઈ ગયા હતા પણ પાછા નથી આપ્યા’ તો આપણને શું થાય? એથી ઉલટું, બીજી બાજુ બેઠેલા સજ્જનને જ્ઞાન થાય કે ‘આપણે એની પાસેથી ઉધાર લાવ્યા હતા’ તો શું થાય ? કેટલીક અવ્યવસ્થા ઉભી થાય ! કેટલા સંઘર્ષો શરુ થાય!

આ બધું તો હજી કંઇક ઠીક, પણ કદાચ ઘરમાં બે માણસ એકબીજાને ઓળખી જાય કે ‘આ તો એ જ છે જેણે મને છેતરીને ઝેર દીધેલ…!’ તો ઘરમાં કેવી ધમાલ થાય ?! એટલે ‘ટાઈમ ટ્રાવેલ’ બહુ સારી વાત નથી. ભૂલાઈ જાય તે સારી વાત છે, માટે ઘણીવાર વિસ્મરણ પ્રભુનું વરદાન છે. માનો કે આપણને ખબર પડી જાય કે અમુક દિવસ પછી આપણો છેલ્લો વરઘોડો નીકળવાનો છે તો આપણી કેવી દશા થાય ! આપણને આપણા મૃત્યુની ખબર નથી એટલે આપણે સદ્ભાગી છીએ. મોજથી જીવીએ છીએ. ‘જબ આયેગા તબ દેખા જાયેગા.’

તમને જો ખ્યાલ હોય તો મહાભારતમાં દુ:ખીમાં દુ:ખી જો કોઈ હોય તો તે સહદેવ છે. કથા એવી છે કે સહદેવને ભવિષભનું જ્ઞાન હતું, પણ મુશ્કેલી એ હતી કો કોઈ પૂછે તો જ તે ભવિષય કહી શકતા, નહીંતર નહીં. સહદેવને ખબર હતી કે ‘લાક્ષાગૃહમાં આગ લાગવાની છે. પાંડવોને નહીં ચેતવું તો અનર્થ થશે’ છતાં તે પાંડવોને ચેતવી નથી શકતા. આવી પરિસ્થિતિમાં આગ લાગતા પહેલા સહદેવ કેટલા મૂંઝાયા હશે?

સહદેવને ખબર હતી કે દ્રૌપદીજીના ચીરનું હરણ થવાનું છે, પાંડવોને વનવાસ થવાનો છે, મહાભારતનું મહાભયંકર યુધ્ધ થવાનું છે.! છતાં પૂછ્યા સિવાય બોલી ન શકે. તો સહદેવ જેવા બીજા દુ:ખી કોણ હોય? સહદેવ અને વેદવ્યાસની તુલના કરીએ તો બન્ને પાસે ભવિષભૃષ્ટિ છે, પણ ભવિષયજ્ઞાનથી સહદેવ દુ:ખી છે, જ્યારે વ્યાસજી હિમાલય જેવા શાંત છે.

જેમ સત્તા અને સંપત્તિ મળવા સહેલા છે પણ પચાવવા અઘરા છે, એ જ રીતે જ્ઞાન મળવું સહેલું છે, પણ પચાવવું કપરું છે. અધ્યાત્મની નાભિમાં વિરાજમાન ફૂટસ્થ મહાપુરુષ જ જ્ઞાન પચાવી શકે છે. રથચક્ર વિહરણશીલ છે, નાભિ સ્થિર છે. અનેકતામાં એકતા રુપે વિરાજમાન અવિચલ તત્ત્વે વેદો “નાભિ” કહે છે. વિજ્ઞાન ‘ન્યુક્લિયસ’ કહે છે. વ્યાસજી નાભિને પામી ચૂક્યા છે. જ્યારે સહદેવ સૃષ્ટિચક્રના વિસ્તારમાં અર્થાત્ અનેકતામાં ભમે છે.

← ઇદમ્ સર્વમ